ભરૂચ ભાજપ શાસિત પાલિકાએ 30 વર્ષમાં પાલિકાને દેવાદાર બનાવી, વેરા ઉઘરાવી નગરજનોને લૂંટી અંધકારમાં ધકેલ્યા હોવાના આરોપ સાથે RTI એક્ટિવિસ્ટોએ પાલિકાનું દેવું ઉતરવા આજે ભિક્ષુક બની ભીખ માંગી હતી.
ભરૂચ નગર પાલિકાનો ચીંથરે હાલ વેશ, હાથમાં લાકડી, ઘંટડી અને કટોરો લઇ RTI એક્ટિવિસ્ટોએ દેવાદાર ભરૂચ પાલિકા માટે ડબ્બાઓ લઈ ભિક્ષા ઉઘરાવી હતી.
શહેરના શક્તિનાથ શાક માર્કેટ, કલેકટર કચેરી રોડ સહિતના વિસ્તારોમાં RTI એક્ટિવિસ્ટો રાજુ પંડિત, સેજલ દેસાઈ, વિનોદ કરાડે, દીપકભાઈ સહિતે ભાજપ શાસિત પાલિકાની રહી સહી શાખના પણ લીરેલીરા ઉડાવ્યા હતા.
વીજ કંપનીએ 8 કરોડના બિલ બાકી પેટે બે દિવસથી શહેરની સ્ટ્રીટલાઈટોના જોડાણ કાપી નાખતા ભરૂચમાં છવાયેલ અંધકાર પટ્ટ દૂર કરવા ભીખ માંગી ઉઘરાવેલા ડબ્બા, કટોરો લઈ તેઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા.
જ્યાં પાલિકા મહિલા પ્રમુખ જ કચેરી નીચે મળી જતા આ RTI એક્ટિવિસ્ટોએ પ્રમુખ વિભૂતિબેન યાદવ પાસે પણ વીજ દેવું ઉતારવા ફંડ માંગ્યું હતું. બિચારા મહિલા પ્રમુખ આ સમયે પીછો છોડાવી ભાગતા નજરે પડયા હતા.
બાદમાં પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની કેબિનમાં જઈ ટેબલ ઉપર ઉઘરાવેલા ડબ્બા અને કટોરો મૂકી દેવાતાં અધિકારી પણ અચરજ સાથે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.