ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં અરૂણોદય બંગલોઝ ખાતે રહેતાં દિનેશ છગનલાલ મિસ્ત્રી ભરૂચ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ નિભાવી નિવૃત્ત થયાં છે. તેમના પુત્ર હિરેનની પત્નિ દોઢેક વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. તેઓ તેમના સંતાનો સાથે રહેતાં હતાં.
દરમિયાનમાં તેમના ઘરના ધાબા પર સોલાર પેનલ લગાવેલ હોઇ તેમનો પુત્ર હિરેન સોલાર પેનલ ધોવા માટે તેઓ ધાબા પર ગયો હતો. જેના માટે તેમણે મોટર પણ ચાલુ કરી હતી. સોલાર પેનલ ધોયા બાદ તેઓ મોટર બંધ કરવા પ્લગમાંથી પીન કાઢી રહ્યાં હતાં. ત્યારે કરંટ લાગતાં તેઓ પડી ગયાં હતાં. તેમના પુત્ર વૈદે તુરંત નીચે આવી તેમના દાદા દિનેશ મિસ્ત્રીને ઘટનાથી વાકેફ કરતા તેઓએ તુરંત હિરેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે તેની ચકાસણી કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.