ભરૂચની પેહલી ટીપી જ્યાં જાહેર કરવામાં આવી હતી તે ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના માર્ગ પર ઠેર ઠેર પડેલા ખાડાને પૂરવાની માંગ સાથે 150થી વધુ લોકો આજે રસ્તા પર ઉતર્યા હતા.
ભરૂચમાં ચોમાસું વાહનચાલકો અને સોસાયટીના રહીશો માટે યાતનારૂપ બની રહ્યું છે. ખાડામાં ગયેલા માર્ગો અને તેમાં ભરાતા વરસાદી પાણીને લઈ વાહનચાલકો અને સ્થાનિકોની મુસીબતનો પાર રહ્યો નથી.ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના 20 જેટલા ગામોના 25 કિલોમીટરના રસ્તા પર ઠેર ઠેર હાલ એકથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે. તેમાં ભરાતા વરસાદી પાણીના પગલે લોકોનું અહીંથી પસાર થવું દુષ્કર બની રહ્યું છે.
અડધો કલાકના સ્થાને રસ્તો પસાર કરવામાં એકથી દોઢ કલાક નીકળી જાય છે તેમાં પણ સતત અકસ્માતનો ભય રહે છે. અહીંથી પસાર થતી લકઝરી બસો, હાઈવા અને ભારદારી વાહનોને લઈ ચોમાસામાં રોડની દુર્દશા થાય છે.આજે રવિવારે આ ગામો અને સોસાયટીઓના સ્થાનિકો ખાડા પૂરોની પોકારો સાથે રસ્તા પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. નવ વર્ષથી માર્ગ નહિ બન્યો હોવાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. જો વહેલી તકે ખાડા નહિ પુરાય તો 20 ગામના લોકોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.