ભરૂચ નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર તા.૫/૭/૨૦૨૩ થી તા.૩/૮/૨૦૨૩ સુધી ૩૦ દિવસ માટે પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા સમાહર્તા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો નર્મદામૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાનામોટા અકસ્માતોમાં વધારો થયો છે. ભરૂચ નર્મદામૈયા બ્રીજ ઉપર આ અગાઉ જાહેરનામાથી દિન-૩૦ માટે તા.૦૪/૦૭/૨૦૨૩ સુધી નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.

જેની મુદત વધારી હવે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ તા.૫/૭/૨૦૨૩ થી તા.૩/૮/૨૦૨૩ સુધી ૩૦ દિવસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો જેવા કે ખાનગી બસ, તમામ પ્રકારની ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરો (ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર કાર,શાકભાજી વહન કરતા નાના લોડિંગ વાહનો તથા દૂધ વિતરણ સાથે સંકળાયેલા નાના લોડીંગ વાહનો સિવાયના તમામ વાહનો) ની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જો કે આ જાહેરનામામાંથી આપાતકાલીન સેવા માટેના વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રીગેડના વાહનો તથા એસ.ટી બસોને મુકિત આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ શિક્ષાને પાત્ર થશે, એમ પણ કલેકટર દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here