અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ ગળતરથી અફરાતફરી સર્જાઇ હતી. ગેસ ગળતરના કારણે સંજાલી ગામના રહીશોને ગેસની અસર થતા શ્વાસમાં તકલીફ અને આંખમાં બળતરાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ગેસ ગળતરના કારણે ગ્રામજનોનું ટોળું કંપની પર દોડી આવી ઉગ્ર રજૂઆતો કરી હતી.જયારે ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર,પોલીસ અને GPCB ના અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી.
પાનોલી GIDCની શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતરની ઘટના રાત્રીના સમયે બની હતી. આ ગેસ કંપનીની નજીક આવેલા સંજાલી અને પનોલીના ગામમાં પ્રસરી જતાં ગ્રામજનોને શ્વાસ અને આંખમાં બળતરાથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો..સંજાલી ગામમાં તીવ્ર ગેસની અસર થતા ગામના લોકોમાં ભયના માહોલ સાથે નાસભાગ મચી જવા પામી હતી. ગેસના કારણે લોકો ખરોડ અને અંકલેશ્વર તરફ ભાગ્યા હતાં.આ સમય દરમિયાન તેની આજુબાજુમાં આવેલી કંપનીઓના કામદારો પણ ભાગી નીકળ્યા હતાં.
આ ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ વિભાગ તેમજ તાલુકાનું વહીવટી તંત્ર અને જીપીસીબીની ટીમ તાત્કાલિક સંજાલી ગામ ખાતે દોડી ગયા હતા. અર્ધા કલાક સુધી ચાલેલા ગેસ રિસાવને લઇ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.જેથી ગ્રામજનો સ્થાનિક આગેવાનો સાથે શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર પહોંચી કંપની સામે બળાપો કાઢ્યો હતો.જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ અને વહીવટી તંત્રએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. ઘટનાના પગલે GPCB ની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હવાની ગુણવત્તાની ચકાસણી કરી કંપનીની પૂછપરછ આરંભી હતી.
આ ગેસ ગળતરની ફરિયાદ GPCBને મળતા જ ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ ગળતર થયું હતું જે આધારે કંપની ખાતે પણ તપાસ કરાઈ રહી છે. દોષિત કોઈપણ હશે આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે.