ભરૂચ શહેરમાં આખરે જળસંકટ ટળ્યું છે. અંદાજિત ૧૬ દિવસ સુધી પાણીકાપનો સામનો કરનાર ભરૂચવાસીઓને આજથી પુરા દબાણ અને પૂરતા પુરવઠા સાથે પાણી આપવામાં આવશે. ભરૂચ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ઈજનેર વિશ્વજીત રાઠોડના જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની કેનાલમાં ભંગાણ પડવાના કારણે પાણીકાપ લાદવાની ફરજ પડી હતી.11 એપ્રિલ 2023 ના રોજ કેનાલમાં ગાબડાનું સમારકામ પૂર્ણ થતા પાણી પુરવઠાનો વિક્ષેપ દૂર થયો છે. પૂરતો પુરવઠો ન મળવાના કારણે ભરૂચ શહરમાં પાણીકાપ લાદવાની ફરજ પડી હતી. આજથી સમસ્યા હલ થતા પાણીનો પુરવઠો પૂરતા દબાણ અને પૂરતી માત્રામાં આપવામાં આવશે.
ભરૂચ નગરપાલિકાની એક યાદીમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે પીવાના પાણી દૈનિક 45 MLD જથ્થો મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને સવાર-સાંજ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.ગત તા. ૨૫/૦૩/૨૦૨૩ ના રોજ અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ નજીક કેનાલમાં ભંગાણ પડ્યું હતું. કેનાલ રિપેરીંગની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમારકામના કારણે પુરવઠો અટકાવવાની ફરજ પડતા તા. ૨૯/૦૩/૨૦૨૩ થી ૧૧/૦૪/૨૦૨૩ સુધી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવતું હતું.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કેનાલ રીપેરીંગની કામગીરી પુર્ણ કરવામાં આવતા મેઈન કેનાલમાંથી અમલેશ્વર બ્રાંચ કેનાલમાં પાણી શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આજે તા.૧૨/૦૪/૨૦૨૩ ને આજથી નિયત સમય મુજબ બે સમય પાણી પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે.