ભરૂચના મકતમપુર ગામના પાટિયા પાસે ગાયત્રી ફ્લેટની સામે રોડ ટચ જગ્યાએ મૂળ બિહારના 55 વર્ષીય રામ ઈશ્વર શાહ માટલા તેમજ નર્સરીનો વ્યવસાય કરે છે. તેઓ પોતાના શાળા અને બનેવી સાથે આ ધંધો કરે છે.
મંગળવારે સવારે પોણા 7 વાગ્યાના અરસામાં રામ ઈશ્વર ઘરેથી કુદરતી હાજતે અવાવરૂ જગ્યાએ ગયા હતા. જ્યાં તેમના ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ કરાતા તેઓ ગંભીર રીતે ગોળીબારમાં ઘાયલ થયા હતા.ઘટનાની જાણ ભરૂચ સી ડિવિઝનને થતા પી.આઈ. હસમુખ ગોહિલ સહિત SOG, LCB ની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ગોળીબારમાં પેટ, માથા, હાથ અને ખભાના ભાગે ઘવાયેલા ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વડોદરા SSG માં ખસેડાયા છે.
પોલીસને સ્થળ પરથી 4 ફુટેલી કારતુસ મળી આવી છે. ભોગ બનનારના પુત્ર લલન શાહે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં વર્ષ 2019 માં વતન બિહારના સિહાર જિલ્લામાં પાડોશી અસ્સરૂલ હક સાથે માથાકૂટ થઈ હતી. જમીન બાબતે બબાલમાં ફરિયાદ નોંધાવતા પાડોશી અસ્સરૂલ હકને સજા થઈ હતી.જેને જેલમાંથી છૂટીને તને નહિ છોડું તેવી ધમકી આપી હતી. પુત્રે પિતા પર આ આરોપીએ જ અગાઉની અદાવતે જેલમાંથી છૂટી ફાયરિંગ કર્યું હોવાની શંકા પોલીસ સમક્ષ સેવી છે.ભરૂચ પોલીસે આસપાસના CCTV તપાસવા સાથે તુરંત નાકાબંધી અને વાહન ચેકીંગ હાથ ધરી ફાયરિંગ કરનાર હુમલાખોરને હિરાસતમાં લેવા કવિક એક્શન લીધા છે.