આદિવાસી બાહુંલ્ય ધરાવતા ડેડીયાપાડા ખાતે ચાર વર્ષ પહેલાં ખાત મુહૂર્ત કરેલી અને બે વર્ષથી તૈયાર થઈ ગયેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કેટલાક સમયથી ટલ્લે ચડ્યું છે. બે માળ ની અદ્યતન સુવિધાઓ સાથે બનેલ સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગના લોકાર્પણ માટે જાણે તરફડીયા ખાતું હોય એવું લાગી રહ્યું છે.305 જેટલા ગામોની અંદાજીત સાડા ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકામાં લોકોને આરોગ્યની સુખાકારી માટે નવી અદ્યતન સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ અદ્યતન બિલ્ડિંગમાં અંદાજીત બે કરોડના ખર્ચે અદ્યતન સાધનો પણ મુકવામાં આવ્યા છે.

પણ તંત્ર દ્વારા તેનો વિધિવત લોકાર્પણ ન થતા લોકોને તેનો કોઈ ફાયદો મળી રહ્યો નથી. અદ્યતન સાધનો જેવા કે એક્સ રે મશીન, અદ્યતન લેબોરેટરી, અદ્યતન બેડ વગેરે જેવી સુવિધા હોસ્પિટલમાં આપવામાં તો આવી છે, પરંતુ આ સાધનોને ચલાવવા માટે યોગ્ય તાલીમબદ્ધ ટેક્નિશિયનની ભરતી ન કરાતા આ સાધનો હાલ તો ધૂળ ખાતા નજરે પડે છે.તો બીજી બાજુ અધિક્ષક વર્ગ -1 અને વર્ગ -2 સહિતના તજજ્ઞ ડોકટર તેમજ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે. પૂરતા ડોક્ટરો તેમજ સાધનોના અભાવે વર્ષોથી ડેડીયાપાડા તાલુકાના દર્દીઓને રાજપીપલા કે ઝઘડીયા રીફર કરી દેવામાં આવે છે.

અકસ્માતના કિસ્સામાં એક્સ રે કઢાવવા માટે દર્દીઓએ અંકેલેશ્વર કે સુરત જેવા શહેરોમાં જવું પડે છે.ત્યારે ગરીબ અને મધ્યમવર્ગ માંથી આવતા આદિવાસી લોકોને મોંઘી ફી પોસાય એમ નથી. ત્યારે સરકાર દ્વારા ગરીબ વર્ગ સુધી પહોંચાડવામાં આવતી સેવાઓ જલ્દી તેમને ઉપલબ્ધ થાય તે જરૂરી છે. નવા સિવિલ હોસ્પિટલની લોકાર્પણ જલ્દી થાય તેમજ તેમાં ખૂટતા સ્ટાફની જગ્યાઓ જલ્દી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા  ચૂંટાયા બાદ નવમા દિવસે જ તેમના દ્વારા ડેડિયાપાડા સ્થિત સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં તેમણે તંત્રને ચેતવણી આપી હતી કે એક મહિનામાં નવા સિવિલ હોસ્પિટલમાં સુવિધા ન અપાય અને પૂરતો સ્ટાફ ભરવામાં ન આવે તો સરકારી હોસ્પિટલને તાળાબંધી કરવામાં આવશે. તેમજ નવ નિર્મિત સરકારી સિવિલ હોસ્પિટલ નું લોકાર્પણ એક મહિનામાં ન થાય તો પ્રજાના તમામ પક્ષના પ્રતિનિધિઓને બોલાવી સાથે લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ત્યારે ધારાસભ્યની ચીમકીની પણ તંત્રને કોઈ જ અસર ન થઇ હોય એમ લાગી રહ્યું છે.

  • ન્યુઝલાઇન રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here