ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટીક્સ મીટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. અતિ વ્યસ્ત અને સતત જવાબદારીના અહેસાસ વચ્ચે કામ કરતા પોલીસકર્મીઓ અને અધિકારીઓ સાથે તેમના પરિવારને પણ આનંદની પળો આ આયોજન થકી પ્રદાન કરવામાં આવી છે. ત્રિદિવસીય ખેલ મહાકુંભનો ભરૂચ SPના હસ્તે પ્રારંભ કરાયો હતો.
જિલ્લા પોલીસ પરિવારના વડા ડો. લીના પાટીલ એથ્લેટીક્સ મીટ 2023 ના ઉદ્ઘાટક હોય જેમને Horse Escorting સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આવકાર આપવામાં આવ્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું છે. પોલીસ દ્વારા આયોજિત અવસર હોય એટલે પરેડ અચૂક યોજાતી હોય છે. ભરૂચ જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ખેલ ઉત્સવની પરેડ યોજી હતી. આ પરેડે ખુબ આકર્ષણ જમાવ્યું હતું.
પોલીસ એથ્લેટીક્સ મીટમાં 100 થી 400 મીટર દોડ, રીલે દોડ, ઊંચી-લાંબી કુદ, ગોળ ફેક સહિતની રમતોનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાના 23 પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તો પોલીસ પરિવારના બાળકો અને સભ્યો માટે લીબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી સહિતની રમતો આયોજિત કરાઈ છે.
આજે ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ પોલીસ અધિકારીઓ એકસાથે દોડતા દેખાય હતા. રમત ઉત્સવમાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ માટે અલગ અલગ અંતરમોં દોડનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા પોલીસ તંત્રના ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમના અધિકારીઓ રનિંગ ટ્રેક ઉપર દોડતા નજરે પડયા હતા.જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક ઉપર દોડતા અધિકારીઓ અને કર્મચારીઓને નિહાળી તેમની ફિટનેસ પારખી હતી તો સાથે વિજેતાઓને બિરદાવ્યા પણ હતા. મોટી સંખ્યામાં જિલ્લા પોલીસના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોએ અલગ – અલગ રમતોમાં ભાગ લીધો હતો.
પોલીસકર્મીઓ 24 કલાક સાતેય દિવસ નોકરી કરે છે. તહેવારની ઉજવણીમાં આપણે સૌ વ્યસ્ત રહીએ છે અને મજા માણીએ છે તે સમયે પણ પોલીસકર્મીઓ તહેવામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહે છે. સતત વ્યસ્ત જીવન જીવતા પોલીસકર્મીઓએ આ એથ્લેટીક્સ મીટને મન ભરીને માણવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ આ એથ્લેટીક્સ મિટથી તેઓ હળવાશની પળો સાથે પોતાની ફિટનેસ પણ ચકાસી શકશે.