જુના ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલા નાના ભોઇવાડ ખાતે એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનની તમામ ઘરવખરી તેમજ નવા ઘર માટે ખરીદેલો કીમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે, આગ લાગી ત્યારે પરિવારના સભ્યો ઘરની બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી મુજબ, નાના ભોઇવાડમાં રહેતા અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા – BAUDA) માં ફરજ બજાવતા સંજયભાઈ જાદવના મકાનમાં સવારે આશરે ૧૧:૦૦ વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ઘરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આગ એટલી પ્રચંડ હતી કે મકાનનું માળિયું પણ સળગીને નીચે ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં સંજયભાઈના ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. ખાસ કરીને, તેમણે નવા ઘર માટે વસાવેલા નવા ટી.વી., ફ્રિઝ સહિતની અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ઘરવખરી પણ આગની લપેટમાં આવી જતા પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઘટનાની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાંકડા વિસ્તાર અને માળિયું તૂટી પડવાના કારણે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટના બની ત્યારે ઘરના તમામ સભ્યો બહાર હોવાથી કોઈને ઈજા પહોંચી નથી અને તમામનો આબાદ બચાવ થયો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.






