ઝઘડિયા GIDC સ્થિત ગેલેક્સી સરફેક્ટન્ટ્સ લિમિટેડ દ્વારા તેમની CSR પહેલ ‘સામાજિક ઉત્થાન’ હેઠળ તલોદરા ગ્રામ પંચાયતના નવાગામ મોટા ગામમાં તળાવ ઊંડું કરવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરવાનો, ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવાનો અને સ્થાનિક સ્તરે જળસંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રોજેક્ટનું વિધિવત ઉદ્ઘાટન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે. નટરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, કંપનીના ફેક્ટરી મેનેજર શશાંક ધોટે અને CSR હેડ કર્નલ અમરજીત દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોનો પણ બહોળો સહયોગ જોવા મળ્યો હતો. તલોદરા ગ્રામ પંચાયતનાં સરપંચ ઉર્મિલાબેન વસાવા, ઉપસરપંચ વિકાસભાઈ વસાવા તેમજ પંચાયતના સભ્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિઠ્ઠલભાઈ વસાવા, ભાજપ યુવા ઉપપ્રમુખ સંદીપ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો જોડાયા હતા.
તળાવ ઊંડું થવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થઈ શકશે, જેના પરિણામે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર સુધરશે અને પાણીની ઉપલબ્ધતા વધશે. આ કામગીરીથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો સીધો લાભ મળશે, જેનાથી ખેતીવાડી ઉપરાંત ગ્રામજનોની આજીવિકા અને આર્થિક પ્રવૃત્તિઓને પણ મોટું પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ જળસંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને ગ્રામ્ય સમુદાયના સર્વાંગી વિકાસ માટેની તેમની લાંબા ગાળાની પહેલનો એક ભાગ છે. ગેલેક્સી સરફેક્ટન્ટ્સે ભવિષ્યમાં પણ પર્યાવરણ સંવર્ધન અને સમાજ ઉત્થાનના કાર્યો માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.






