ભરૂચની સેશન્સ કોર્ટે ચેક રિટર્નના ચાર અલગ-અલગ કેસોની અપીલમાં નીચલી કોર્ટ (ટ્રાયલ કોર્ટ) દ્વારા આપવામાં આવેલી સજા અને વળતરના હુકમને કાયમ રાખી આરોપીને કસ્ટડીમાં મોકલવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને પગલે ચેક રિટર્નના આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચના નાગોરીવાડ વિસ્તારમાં રહેતા સોએબભાઈ દંતીએ તેમના જ વિસ્તારમાં રહેતા મુબારક મરોઠીને નાણાંની જરૂરિયાત હોવાથી ઉછીના નાણાં આપ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે હિસાબ કરતા રૂપિયા ૪ લાખ લેવાના બાકી નીકળતા હતા. આ બાકી નીકળતી રકમની ચૂકવણી પેટે આરોપી મુબારક મરોઠીએ રૂપિયા ૧-૧ લાખના ચાર અલગ-અલગ ચેક લખી આપ્યા હતા.
ફરિયાદી સોએબભાઈએ આ ચારેય ચેક બેંકમાં રજૂ કરતા “અપૂરતા બેલેન્સ” (Insufficient Balance) ના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી ફરિયાદીએ તેમના એડવોકેટ મહેન્દ્ર કંસારા મારફતે આરોપીને કાયદેસરની નોટિસ પાઠવી હતી. નોટિસ મળી જવા છતાં આરોપીએ નાણાંની ચૂકવણી ન કરતા અંતે ભરૂચ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટમાંથી સમન્સ બજતા આરોપી પોતાના વકીલ મારફતે હાજર થયા હતા. કેસની ટ્રાયલ ચાલી જતાં ભરૂચની ટ્રાયલ કોર્ટે આરોપી મુબારક મરોઠીને તકસીરવાન ઠેરવી ૬ માસની સાદી કેદની સજા ફટકારી હતી અને ચેકની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો.
ટ્રાયલ કોર્ટના આ હુકમથી નારાજ થઈ આરોપીએ ભરૂચની સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ચારેય કેસોની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભરૂચના અધિક સેશન્સ જજ શ્રી ગઢવી સાહેબે આરોપીની ચારેય અપીલો નામંજૂર કરી હતી અને ટ્રાયલ કોર્ટનો સજા તેમજ વળતરનો હુકમ યથાવત રાખ્યો હતો. આ સાથે જ કોર્ટે આરોપી મુબારક મરોઠીને તાત્કાલિક કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે.






