ભરૂચ જિલ્લાના દેરોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે નાના બાળકો સહિત 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજીથી એક પરિવાર અને તેમના સગાસંબંધીઓ ખાનગી લક્ઝરી બસમાં સવાર થઈને સુરત ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બસ આગળ જઈ રહેલા એક ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માત સર્જાતા જ હાઈવે પર મુસાફરોની ચીસાચીસ ગુંજી ઉઠી હતી. આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને 108ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચવાને કારણે 2 મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે બસમાં સવાર બાળકો સહિત 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકોની ઓળખ કરવાની અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગની ખુશીઓ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






