ભરૂચ શહેરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ઘટનાને ૧૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ દસ વર્ષ પૂર્ણ થયા છે. વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન સ્મૃતિમાં ભરૂચ નગરપાલિકા દ્વારા કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના આશરે ૪.૫ કિલોમીટર લાંબા મુખ્ય માર્ગને ‘પ્રમુખસ્વામી માર્ગ’ નામ આપવામાં આવ્યું હતું. એક દાયકા બાદ પણ આ માર્ગ પર સ્થાપિત શિલાલેખ તે સમયના નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓના આ સંવેદનશીલ અને આદરપૂર્ણ નિર્ણયની સાક્ષી પૂરી રહ્યો છે.

૧૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ લેવાયેલો આ નિર્ણય માત્ર એક વહીવટી પ્રક્રિયા નહોતી, પરંતુ ભરૂચના નગરજનો અને સ્થાનિક પ્રશાસન દ્વારા એક મહાન સંતના જીવનકાર્ય પ્રત્યે વ્યક્ત કરાયેલી કૃતજ્ઞતા હતી. આજે પણ આ માર્ગ પરથી પસાર થતા દરેક નાગરિકને ‘પ્રમુખસ્વામી માર્ગ’નું નામ વાંચતા જ બાપાની સાદગી, નિર્મળતા, સંપ અને નિઃસ્વાર્થ સેવાની પ્રેરણા મળે છે.

૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ ચાણસદ ખાતે જન્મેલા શાંતિલાલ ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસેથી દીક્ષા લઈ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા હતા. ૧૯૫૦માં BAPS સંસ્થાના પ્રમુખ અને ૧૯૭૧માં યોગીજી મહારાજના અક્ષરધામગમન બાદ આધ્યાત્મિક ગુરુ તરીકે તેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી હતી. “બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે” -આ જીવનમંત્ર સાથે તેમણે સમાજને નવી દિશા આપી હતી.

પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન આધ્યાત્મિકતાની સાથે શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત, પર્યાવરણ સંરક્ષણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે અવિસ્મરણીય કાર્યો કર્યા છે:
• વિશ્વભરમાં ૧,૧૦૦થી વધુ મંદિરોનું નિર્માણ તેમજ દિલ્હી અને ગાંધીનગર ખાતે ભવ્ય અક્ષરધામ સંકુલોની રચના.
• દેશ-વિદેશના ૧૭,૦૦૦થી વધુ ગામો અને શહેરોમાં વિચરણ તથા ૨.૫૦ લાખથી વધુ પરિવારોના ઘરે પધરામણી.
• ૮.૧૦ લાખથી વધુ લોકોને વ્યક્તિગત માર્ગદર્શન અને ૭ લાખથી વધુ પત્રો વાંચીને પ્રત્યુત્તર પાઠવવાની અનોખી સેવા.

આ નામકરણના ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના નાગરિકો વર્ષ ૨૦૧૬ના તત્કાલીન નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના આ પ્રશંસનીય કાર્યને બિરદાવી રહ્યા છે. આ દશાબ્દી અવસર માત્ર એક માર્ગની વર્ષગાંઠ નથી, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે ચીંધેલા સેવા, સંસ્કાર, સમર્પણ અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો એક પવિત્ર સંકલ્પ બની રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here