નર્મદા પરિક્રમાના પવિત્ર સંગમ સ્થાન ગણાતા વમલેશ્વર ઘાટ ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પરિક્રમાવાસીઓ ઉમટી પડે છે. જોકે, ચાલુ વર્ષે નર્મદા પરિક્રમા શરૂ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં સરકારી તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે કરવામાં આવતું આયોજન હજુ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે પરિક્રમાવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ટુરિઝમ વિભાગની ઉદાસીનતા, ડોમ અને શૌચાલયનો અભાવ
ગત બે વર્ષથી ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા પરિક્રમાવાસીઓની સુવિધા માટે વિશેષ ડોમ અને જાહેર શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હતી. પરંતુ, ચાલુ વર્ષે તંત્ર આ પાયાની સુવિધાઓ ઊભી કરવાનું જાણે ભૂલી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. દેવદિવાળીનો પવિત્ર તહેવાર નજીક આવી ગયો હોવા છતાં ઘાટ પર તંત્ર તરફથી કોઈ નક્કર કામગીરી નજરે પડતી નથી.

મંદિર અને ગ્રામજનોના ઓટલા બન્યા સહારો
હાલમાં વમલેશ્વર ખાતે આવતા પરિક્રમાવાસીઓ માટે રાત્રિ રોકાણની કોઈ સરકારી વ્યવસ્થા ન હોવાથી તેઓ વિશ્વેશ્વર મહાદેવ મંદિરની મર્યાદિત સુવિધાઓનો સહારો લઈ રહ્યા છે. જગ્યાના અભાવે અનેક યાત્રિકોને નાછૂટકે ગ્રામજનોના ઘરના ઓટલા પર આશરો લેવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ભોજન માટે પણ યાત્રિકોએ માત્ર મંદિરના અન્નક્ષેત્ર પર જ નિર્ભર રહેવું પડે છે.

મંજૂર થયેલી ધર્મશાળાનું કામ અટવાયું, ગ્રામજનોમાં રોષ
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા અહીં ધર્મશાળા મંજૂર કરવામાં આવી હોવાની વાતો થઈ રહી છે, પરંતુ હજુ સુધી તેનું બાંધકામ શરૂ થયું નથી. આ સાથે જ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પણ ખોરંભે પડી છે. એક તરફ હોડી ઘાટ મારફતે તંત્રને સારી એવી આવક થઈ રહી છે, તેમ છતાં આ પવિત્ર સ્થળના વિકાસ અને યાત્રિકોની સુવિધા પ્રત્યે સદંતર અનદેખી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અરાજકતા સર્જાવાની ભીતિ, તાત્કાલિક સુવિધાની માંગ
દેવદિવાળી પહેલાં તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવાની અગાઉ માંગણી કરવામાં આવી હતી, પરંતુ સમયસર આયોજન ન થતાં હવે પરિક્રમાવાસીઓનો ધસારો વધશે ત્યારે ગામમાં અરાજકતાની સ્થિતિ ઊભી થવાની ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોની પ્રબળ માંગ છે કે તંત્ર તાત્કાલિક જાગે અને દેવદિવાળી પહેલાં યુદ્ધના ધોરણે ડોમ, જાહેર શૌચાલય, પીવાનું પાણી, ધર્મશાળા અને ભોજન સહિતની પાયાની સુવિધાઓ ઊભી કરે, જેથી દૂર-દૂરથી આવતા નર્મદા પરિક્રમાવાસીઓને કોઈ અગવડ ન પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here