ભરૂચ શહેરમાં આવેલ એક જૈન દેરાસરમાંથી આશરે ૧૫ કિલો ચાંદીના પતરાની ચોરી થવાની સનસનાટીભરી ઘટનાને આજે પૂરા ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી તસ્કરોને પકડવામાં નિષ્ફળ રહી છે. ચાર-ચાર વર્ષનો લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં આ હાઈપ્રોફાઈલ ચોરીનો ભેદ હજુ પણ વણઉકેલાયેલો જ રહ્યો છે, જેને પગલે સ્થાનિક જૈન સમાજ અને નગરજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની વિગત મુજબ, ચાર વર્ષ અગાઉ ભરૂચ શહેરના એક જૈન દેરાસરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો દેરાસરમાં ભગવાનની આજુબાજુ તેમજ ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા અંદાજે ૧૫ કિલો વજનના કિંમતી ચાંદીના પતરા ઉખેડીને ચોરી ગયા હતા. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન દેરાસરમાં થયેલી આ મોટી ચોરીને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
આ ચકચારી ઘટના અંગે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તુરંત જ કાનૂની તપાસ હાથ ધરી હતી. ઘટના સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે આ કેસની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ ચોરોને ઝડપી પાડવામાં આવશે.

પરંતુ આશ્વાસનો વચ્ચે આજે ચાર વર્ષ જેટલો લાંબો સમય વીતી ચૂક્યો છે. ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવા છતાં, હજુ સુધી ચોરી કરનાર તસ્કરોનો કોઈ પત્તો લાગ્યો નથી કે ન તો ચોરી થયેલી કરોડોની કિંમતની ચાંદી રિકવર થઈ શકી છે.

ધાર્મિક સ્થાનો પર થતી ચોરીઓના ભેદ ઉકેલવામાં થતો વિલંબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા કરે છે. જૈન અગ્રણીઓ અને સ્થાનિકોની માંગ છે કે પોલીસ આ કેસને ગંભીરતાથી લઈ કોઈ ખાસ ટીમ (SIT) ની રચના કરે જેથી આસ્થાના કેન્દ્ર પર ત્રાટકેલા ચોરો જેલના સળિયા પાછળ ધકેલાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here