નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના મોતીબાગ વિસ્તારમાં રહેતો એક યુવાન રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ચોલા ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો આ યુવાન ગ્રાહક પાસેથી વાહનનો હપ્તો લેવા ગયા બાદ પાછો ન ફરતા, પત્નીએ પતિના અપહરણ અથવા ગુમ થયાની આશંકા વ્યક્ત કરી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
મળતી માહિતી અનુસાર, રાજપીપળાના મોતીબાગ વિસ્તારમાં રહેતા હિરલબેન હિતેશભાઈ વસાવાએ પોલીસને લેખિત જાણ કરી છે કે તેમના પતિ હિતેશભાઈ ગિરીશભાઈ વસાવા (રહે. મોતીબાગ, રાજપીપળા) ગત તારીખ ૫ નવેમ્બરના રોજ બપોરે કંપનીના કામકાજ અર્થે કોઈ ગ્રાહક પાસેથી વાહનનો બાકી હપ્તો લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. જો કે, મોડી સાંજ સુધી તેઓ પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.

ગ્રાહકના ઘરે પણ ન પહોંચ્યા હોવાનો ખુલાસો
હિરલબેને મીડિયાને જણાવ્યું હતું કે, તેમના પતિ હિતેશભાઇ ચોલા ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવે છે. તેઓ જે ગ્રાહક પાસે બાકી પડતો હપ્તો લેવા જવાનું કહીને નીકળ્યા હતા, ત્યાં પરિવારે રૂબરૂ જઈને તપાસ કરી હતી. પરંતુ ચોંકાવનારી વિગત સામે આવી હતી કે હિતેશભાઈ તે ગ્રાહકના ઘરે પહોંચ્યા જ નહોતા. આજદિન સુધી તેમનો કોઈ પતો ન લાગતાં પરિવાર ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.
પતિનો કોઈ પતો ન મળતા આખરે પત્ની હિરલબેને પતિના અપહરણ અથવા કોઈ અજુગતું બન્યું હોવાની શંકા સાથે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુમનોંધ દાખલ કરી યુવાનની શોધખોળ માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.





