ભરૂચ સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગુજરાત પોલીસ દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહ અંતર્ગત ગરિમાપૂર્ણ શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સીધી ઉપસ્થિતિમાં પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ એકત્ર થઈને ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે ફરજ દરમિયાન સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવી રાખવાના સંકલ્પ લીધા હતા.
ચાલુ વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહની થીમ ”સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ” નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ હાજર સમગ્ર પોલીસ કાફલાને શપથ લેવડાવતાં જણાવ્યું હતું કે પ્રત્યેક અધિકારી અને જવાન પોતાની દૈનિક ફરજ દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા, ઉચ્ચ નૈતિકતા અને જવાબદારીપૂર્વક લોકસેવા બજાવે તેમજ ભ્રષ્ટાચારથી સદંતર દૂર રહીને સમાજમાં ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડે.
તકેદારી સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામગીરીમાં નિર્ભેળ પારદર્શિતા સ્થાપિત કરવાનો, ભ્રષ્ટાચાર સામે જાગૃતિનો સંચાર કરવાનો તથા તંત્રમાં નિષ્ઠાવાન ભાવના વધુ મજબૂત કરવાનો છે.





