ભરૂચ નગરપાલિકાની કામગીરી અને પશુ નિયંત્રણની નીતિ પર પશ્ચિમ વિસ્તારના રહીશોએ એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.

સ્થાનિક રહીશોના ગંભીર આક્ષેપ મુજબ, પાલિકા તંત્ર દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાંથી રખડતા શ્વાન અને ગદર્ભોને ટેમ્પોમાં ભરીને લાવવામાં આવે છે અને મહંમદપુરા રોડ પર ખુલ્લેઆમ છોડી મૂકવામાં આવે છે. જાણે આ વિસ્તારને રખડતા પશુઓનું નવું રહેઠાણ કે ડેસ્ટિનેશન બનાવી દેવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

સામાન્ય રીતે લોકો આવા આક્ષેપોને અફવા ગણાવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં મહંમદપુરા વિસ્તારના રહીશોએ પોતાના આક્ષેપોના સમર્થનમાં સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરી દીધા છે. વીડિયોમાં જાહેર માર્ગ પર જ ટેમ્પોમાંથી પશુઓને ઉતારવામાં આવતા હોવાનું દેખાતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

રહીશોમાં હવે એવી કટાક્ષભરી ચર્ચા ચાલી રહી છે કે શું નગરપાલિકાએ પશુઓ માટે કોઈ નવી ‘રહેઠાણ યોજના’ શરૂ કરી છે? અન્ય વિસ્તારોમાંથી લાવીને છોડી મૂકવામાં આવેલા શ્વાનોને હવે મહંમદપુરાનો નવો વિસ્તાર મળી જતાં તેમનો આતંક વધ્યો છે.

સ્થાનિકોની ફરિયાદ છે કે આ શ્વાનો હવે નજીકમાં આવેલા પવિત્ર કબ્રસ્તાનની અંદર પણ ઘૂસી જાય છે અને ત્યાં ભારે ગંદકી ફેલાવે છે. જેના કારણે સ્થાનિક મુસ્લિમ બિરાદરો અને રહીશોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે અને લોકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ અજીબોગરીબ ઘટનાને પગલે ભરૂચના નાગરિકોમાં મોટો સવાલ એ ઊભો થયો છે કે શું શહેરમાં રખડતા પશુઓના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાને બદલે પાલિકા માત્ર એક વિસ્તારની સમસ્યાને બીજા વિસ્તારમાં ટ્રાન્સફર કરીને સંતોષ માની રહી છે? એક તરફ પાલિકા પશુ નિયંત્રણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની કામગીરીથી સમગ્ર પશ્ચિમ વિસ્તાર બંધક બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here