આમોદ તાલુકા અંતર્ગત આવતા મછાસરા ગામના સીમ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. અહીંના સરકારી તળાવમાં અચાનક જ મોટી સંખ્યામાં માછલીઓનાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તળાવમાં ચારેય તરફ મૃત માછલીઓના ઢગલા ખડકાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે.

જેના કારણે આસપાસના રહીશોમાં ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક મત્સ્ય ઉદ્યોગને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

મછાસરા ગામના સર્વે નંબર 417 અને 418 ધરાવતા આ તળાવના પાણીના વપરાશ અંગે સ્થાનિક સ્તરે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને હિતધારકો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો હતો.

આ ચાલુ વિવાદ વચ્ચે જ કેટલાક તત્વો દ્વારા મોટા પંપો મૂકી તળાવનું પાણી આડેધડ ખેંચીને તળિયાઝાટક કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તળાવ ખાલી થઈ જતાં અંદર રહેલી હજારો માછલીઓ ઓક્સિજનના અભાવે તેમજ કાદવ-કીચડમાં તરફડીને મોતને ભેટી હતી.

સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, ગ્રામજનોએ આ મામલે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, મત્સ્ય વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે ઘટનાસ્થળે સંયુક્ત પંચનામું કરી સ્થળ તપાસ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here