રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્થાપનાના શતાબ્દી વર્ષના પાવન અવસરે, RSS અને શ્રી સંતોષીમાતા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાનગર સ્થિત સંતોષી માતા મંદિરના પટાંગણમાં અંતિમ વિજયાદશમી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે સંઘના સ્વયંસેવકો, મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, માતા-બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના બૌદ્ધિક ટોળીના સદસ્ય કલ્પેશ પટેલે પોતાના ઉદ્બોધનમાં વિજયાદશમીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પર સવિસ્તાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ સમાજ વર્ષોથી વિજયાદશમીનો ઉત્સવ કેમ ઉજવે છે અને વર્તમાન સમયમાં પણ તે કેમ એટલો જ પ્રાસંગિક છે. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો હિન્દુ સંસ્કૃતિને બચાવવી હશે તો સમગ્ર હિન્દુ સમાજે એક થવું પડશે. સર્વે નાગરિકોએ જ્ઞાતિ-જાતિના તમામ ભેદભાવોમાંથી બહાર આવીને માત્ર ‘હિન્દુ’ બનવું પડશે. સમાજ જ્ઞાતિઓમાં વિભાજિત ન થાય તેવા દ્રઢ સંકલ્પ સાથે તેમણે એકતાનો સંદેશ આપ્યો હતો.
આ પાવન અવસરે પરંપરાગત રીતે મંત્રોચ્ચાર સાથે ભવ્ય શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. શ્રી સંતોષીમાતા યુવક મંડળ ટ્રસ્ટના સભ્યો, ઉપસ્થિત માતાઓ અને બહેનો દ્વારા પણ ભક્તિભાવ પૂર્વક શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા કલ્પેશ પટેલ (સદસ્ય, ગુજરાત પ્રાંત બૌદ્ધિક ટોળી, RSS) ની સાથે ગંગેશ્વર વસ્તીના પ્રમુખ વિકાસ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અસંખ્ય સ્વયંસેવકો, શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના હોદ્દેદારો, ભાઈઓ, શ્રદ્ધાળુ માતાઓ-બહેનો અને નાના ભૂલકાઓએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર પટાંગણ દેશભક્તિ અને ધર્મોલ્લાસના વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.





