ભરૂચના પાલેજ નજીક આવેલા ટંકારીયા ગામે કેનાલમાં ડૂબી જવાથી 22 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મંડપનું કપડું ધોવા માટે કેનાલ પર ગયેલા યુવકનો અચાનક પગ લપસી જતાં તે પાણીમાં ડૂબી ગયો હતો.આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટંકારીયા ગામમાં રહેતા દશરથ શંકરભાઈ વસાવા મંડપનું કપડું ધોવા માટે ગામ નજીક આવેલી કેનાલમાં ગયા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ કેનાલના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ પાલેજ પોલીસને થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે પાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. યુવકનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. 22 વર્ષીય યુવકના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.





