ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાલુકાના સૂઠોદરા દાંડા ગામ નજીક આવેલી નહેર પાસે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની બાજુમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, સૂઠોદરા દાંડા ગામની સીમમાં એક ખેડૂતપુત્ર પોતાના ખેતરમાં દિવેલાના પાકની સ્થિતિ જોવા માટે ગયો હતો. આ દરમિયાન નહેર નજીક તેની નજર એક અજાણ્યા વ્યક્તિના શરીર પર પડી હતી. નજીક જઈને જોતા તે મૃતદેહ હોવાનું માલૂમ પડ્યું હતું, જેથી ખેડૂતપુત્રે તાત્કાલિક આ અંગે સ્થાનિક આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય વિમલભાઈને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પંચાયત સભ્ય વિમલભાઈએ તુરંત જ આમોદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી પોલીસની એક ટીમ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ૧૦૮ના તબીબો દ્વારા પ્રાથમિક તપાસ બાદ આ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.
આમોદ પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાગળો તૈયાર કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ તેને પેનલ પોસ્ટમોર્ટમ માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હાલમાં આ મૃતક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને તેનું મૃત્યુ કયા સંજોગોમાં થયું છે તે અંગે રહસ્ય અકબંધ છે. શું આ કુદરતી મૃત્યુ છે, આત્મહત્યા છે કે પછી તેની પાછળ કોઈ અંજામ આપવામાં આવ્યો છે? તે દિશામાં આમોદ પોલીસે મૃતકની ઓળખ વિધિ મેળવવા અને પીએમ રિપોર્ટના આધારે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.





