આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજયમાં તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ભવ્ય ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના ગજેરા ગામે આવેલી નૂતન વિધાલય ખાતેથી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ મંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આપણો દેશ વિશ્વગુરૂ બને તે દિશામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કામ થઇ રહ્યું છે ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાનથી દેશના લોકોને સુખી, સમૃધ્ધ બનાવી ભારતને વિશ્વગુરૂ બનાવીએ.
આઝાદીના ઈતિહાસની ગાથા વર્ણવતાં મંત્રીએ કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, ભારત ગામડાઓમાં વસે છે. ભારતનો આત્મા ગામડું છે ત્યારે ગામડાઓમાં પણ શહેરોના જેવી શિક્ષણ, રસ્તા, પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ વિકસાવી સાચા અર્થમાં ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકારે અભિયાન આદર્યુ છે. તેમણે ઉમેર્યુ કે, તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન જિલ્લા પંચાયતની તમામ ૩૪ સીટો પર આત્મનિર્ભર ગ્રામ યાત્રા પરિભ્રમણ કરી લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરાશે.
આત્મનિર્ભર ગ્રામ થકી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ તેમ જણાવી મંત્રીએ કહ્યું કે, આત્મ નિર્ભર ગ્રામ યાત્રા થકી છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે તેનો લાભ મેળવે અને જાગૃત થાય તેવા આશયથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પ્રજાની નાનામાં નાની જરૂરિયાતોને ધ્યાને લઈ વિવિધ યોજનાઓ ઘડી રહી છે. સાથે આ યોજનાઓ ખરેખર લાભાર્થી સુધી પહોંચે અને તેને લાભ મળે ત્યાં સુધી પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સરકાર સંવેદનશીલ છે, સરકાર ગરીબોની છે તેમ જણાવી ભરૂચ જિલ્લામાં થયેલ કૃષિ નુકશાનનો સર્વે કરાવી સહાય આપવા તરફ આગળ વધી રહ્યા હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું. દરેક વ્યક્તિને સવલત, સુવિધાઓ અને સેવા મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. તેમણે આજે મેળવેલ સહાયનો સાચી દિશામાં ઉપયોગ કરી આત્મનિર્ભર બનવા લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રા ધ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો થકી પ્રજાલક્ષી કામગીરી જનજન સુધી પહોંચે તે માટે યાત્રા સફળ બને તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે આપણું ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ કઈ રીતે આત્મનિર્ભર બને તે દિશામાં કાર્ય કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે આત્મનિર્ભર ગ્રામ યાત્રાને શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત જિલ્લાકક્ષાએ કરવામાં આવેલ ઈનોવેટીવ કામગીરી જેવી કે, સારા સ્વાસ્થ્ય માટે પંચોતેર સોનેરી સુત્રો, પંચોતેર સ્વસહાય જુથો(સખી મંડળની રચના) અને જિલ્લાના પંચોતેર ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા અંગેની માહિતી આપી હતી.
આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી આપી લોકાર્પણ કરાયું હતું. જ્યારે વિવિધ વિભાગો દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ(ઈ-તકતીના માધ્યમથી) કરાયું હતું તેમજ વિવિધ લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લાના ગ્રામ વિકાસ, પંચાયત, સહકાર, વન, પાણી પુરવઠા, મહિલા અને વિકાસ વિભાગ દ્વારા ૨૪૯ કામોનું રૂ.૮૫૦.૭૩ લાખનું લોકાર્પણ, ૭૧૦ કામોનું રૂ.૧૮૪૦.૮૭ લાખનું ખાતમૂહુર્ત તથા ૪૫૪ લાભાર્થીઓને રૂ.૧૭૭.૦૪ લાખની સહાય વિતરણ કરાયું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ, ગામ તળાવના લીઝના ચેકનું વિતરણ, ગ્રામ સંગઠન અને સખીમંડળના ચેકનું વિતરણ, સિલાઈ મશીનનું વિતરણ, વહાલી દિકરી યોજનાના લાભાર્થેઓને મંજૂરી હુકમ, દિવ્યાંગ બાળકોને યુ.ડી.આઈ.ડી. સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતું. આ વેળાએ વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે જુદા જુદા દાતાઓ તરફથી મેળવેલ પુસ્તકોનો સેટ મંત્રીશ્રીના હસ્તે કલેક્ટરને એનાયત કરાયો હતો. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા અંગે આત્મા પ્રોજેક્ટ દ્વારા શપથવિધિ થઈ હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ શાહમીના હુસેન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, તાલુકા પંહાયતના પ્રમુખ અંજુબેન સિંધા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા સહિત આગેવાન પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
[breaking-news]
Date: