વાલિયાના બાંડાબેડા ગામે પિતા-પુત્ર ઉપર ચપ્પુ વડે ત્રણ ઇસમોએ હુમલો કરતાં પિતાનું સારવાર દરમિયાન સુરત ખાતે મોત નીપજયું હતું. પોલીસ દ્વારા આ મામલામાં હત્યારાઓ સામે ગુનો નોંધાય અને તેમને સજા મળે તેવી માંગ મરનારની પુત્રીએ કરી હતી.
સમગ્ર ઘટનામાં વાલિયા બાંડાબેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશ ભારમલભાઇ વસાવા ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 3 નવેમ્બરના રોજ ફળિયામાં જ રહેતા અનિલ કાલીદાસ વસાવા, રાજેશ ઉર્ફે બાબર રામસિંગભાઇ વસાવા અને નીતિન રમણભાઇ વસાવા કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં ઇકો ગાડી સ્કૂલ પાસે કેમ મૂકી હતી કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો અને તેમને ચપ્પુના ઘા પણ ઝીંકી દીધા હતા.
જેમાં તેમના પિતા ભારમલભાઈ તેમને છોડાવવા વચ્ચે પડતાં ત્રણેય આરોપીએ તેમને પણ ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા ભારમલ ગોવિંદભાઈ વસાવાનું સુરત ખાતે 7 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. જેમાં પોલીસે ત્રણેવ આરોપીને જામીન ઉપર છુટી જતા ભારમલભાઈની પુત્રીએ પિતાના હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધી આજીવન કારાવાસની સજા કરવાની માંગ કરી હતી.