હવામાનમાં ઈન્વર્ઝન નહીં થતાં અંકલેશ્વરની હવાની ગુણવત્તા બગડી રહી છે. અંકલેશ્વરની હવા અત્યંત પ્રદુષિત બનતા સતત ત્રણ દિવસે સુધી રેડ ઝોનમાં રહ્યું હતું. 10 નવેમ્બરે 333 AQI (એર ક્વોલિટી ઈન્ડેક્ષ), 11 નવેમ્બરે 332 અને 12 નવેમ્બરે 313 AQI નોંધાયો હતો. જેથી લોકોને શ્વાસોચ્છવાસમાં પણ તકલીફ પડી રહી છે.
છેલ્લા 15 દિવસથી સતત ઓરેન્જ ઝોનમાં AQI રહ્યા બાદ હવે રેડ ઝોનમાં આવતા લોકોના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી વાગી રહી છે. હવામાં રહેલા ડસ્ટનું પ્રમાણ પણ વધ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ, એસ.ઓ.2 , એન.ઓ.2 અને એન.એચ.3 ની માત્રા પણ વધી છે.
શિયાળાનું ઠંડુ વાતાવરણ થતાં પુનઃ અંકલેશ્વરનું હવામાન બગાડ્યું છે. ખાસ કરીને શિયાળામાં હવામાં રહેલા પી.એમ.2.5, પી.એમ 10. એન.ઓ.2 એન.એચ. 3 , એસ.ઓ.2 સી.ઓ. સહિતના તત્વો જમીન લેવલ પર રહેતા તેનું ઈન્વર્ઝન નહીં થવાના કારણે હવા પ્રદુષણ વધ્યું છે.
અંકલેશ્વરમાં બે મહિનાની સ્થિતિ પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનામાં શિયાળની શરૂઆત સાથે જ હવાનું સ્તર બગડવાની શરૂઆત થઇ હતી. ઓક્ટોબર માસમાં માત્ર 3 દિવસ ગ્રીન ઝોન એટલે શુદ્ધ હવા જોવા મળી હતી. જયારે 11 દિવસ યલો અને 13 દિવસ ઓરેન્જ ઝોનમાં AQI નોંધાયો હતો.
આ અંગે આર.આર. વ્યાસ, પ્રાદેશિક અધિકારી જીપીસીબીએ જણાવ્યું કે, ઉદ્યોગોને રાત્રે ઇન્સિલેટર બંધ કરવા અને કોમન ફેસિલિટી ઇન્સિલેટર બંધ કરવા તાકીદ કરી છે. શિયાળામાં ઈન્વર્ઝન નહીં થતા આ સ્થિતિ સર્જાઈ છે. જે માટે નોટીફાઈડ વિભાગને પ્રથમ તો વોલ ટુ વોલ કાર્પેટિંગ અને બિસ્માર માર્ગને રીપેર કરવાની સૂચના આપી છે. માર્ગો પર ઉડતી ડસ્ટ દૂર કરવા પણ સૂચના આપી છે. રાત્રીના ઈન્સિલેટર બંધ કરવા તેમજ કોમન ફેસિલિટી ઇન્સિલેટર બંધ કરવા પણ તાકીદ કરી છે. સતત મોનિટરિંગ વધારી શિયાળાની સ્થિતિને ધ્યાને રાખી એક્શન પ્લાન અમલમાં મૂકી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
સીપીસીબી વેબ સાઈડ પર નોંધાયેલ એર કોલેટી ઈન્ડેક્ષ મુજબ પી.એમ 2.5 ની માત્રા સૌથી વધુ એટલે 391 પર પહોંચી છે જે એવરેજ 332 આવી રહી છે. જયારે પી.એમ 10 ની માત્ર સૌથી વધુ 241 જયારે એવરેજ 187 પર પહોંચી છે. એન.ઓ.2 વધુમાં વધુ 24 અને એવરેજ 21 જયારે એન.એચ.3 વધુ માં વધુ 29 અને એવરેજ 12 પર માત્રા પહોંચી છે. એસ.ઓ.2 વધુ માં વધુ 138 જયારે એવરેજ 114 પર અને કાર્બન ડાયોક્સાઇડ વધુ માં વધુ 116 અને એવરેજ 98 પર માત્રા પહોંચી ગઈ છે. જયારે ઓઝોનની માત્ર વધુ માં વધુ 73 અને એવરેજ 48 આવી રહી છે. જેને લઇ છેલ્લા 3 દિવસ થી હવાની ગુણવત્તા બગડી સાથે રેડ ઝોનમાં આવી ગયા છે.