કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તર પ્રદેશ માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે રાજ્યની મુલાકાતે છે. મળતી માહિતી મુજબ, અમિત શાહ આજે સદર તહસીલના યશપાલપુર આઝમબંદ ગામમાં સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. સાથે જ તેઓ ત્યાં યોજાનાર ભૂમિપૂજનમાં પણ ભાગ લેશે. અમિત શાહનો આઝમગઢ પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવે છે. કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અહીં માત્ર એક જ બેઠક મળી હતી.
ગૃહમંત્રી અમિત શાહના આગમનના એક દિવસ પહેલા શુક્રવારે તમામ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમની સુરક્ષામાં લગભગ બે હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ડ્યુટી લગાવવામાં આવી છે. પોલીસ આસપાસના ગામના શકમંદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.એસપી અનુરાગ આર્યએ જણાવ્યું કે ગૃહમંત્રીના કાર્યક્રમની સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે.
અમિત શાહની સુરક્ષામાં પોલીસકર્મીઓની સાથે PAC અને RFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સ્થળ, હેલીપેડ, રસ્તાઓની સુરક્ષા અને સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસકર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે. આ સાથે તમામને આઈ-કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા સાદા ગણવેશમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ માટે આઝમગઢમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ અલગ-અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. VVIP, VIP અને કોમન બ્લોક બનાવવામાં આવ્યા છે. કોમન બ્લોકમાં 36 બ્લોક પણ બનાવવામાં આવ્યા છે અને આ માટે પાંચ મોટા જર્મન હેંગર ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત સ્થળ પર બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. સ્થળ પર, અમિત સૌપ્રથમ સ્ટેજની પાછળ બનેલ પ્રદર્શન જગ્યાનું નિરીક્ષણ કરશે અને તેમાં યુનિવર્સિટીનું મોડેલ પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી શાહ તેની બાજુમાં ભૂમિપૂજન કરશે અને ભૂમિપૂજન પછી અમિત શાહ સ્ટેજ પરથી બધાને સંબોધશે. જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.