ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં ધોળે દહાડે એક યુવકને લૂંટી લેવાની ઘટના બનવા પામી હતી. જે ગુનામાં પોલીસે ૩ આરોપીઓની અટક કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કરેલ છે.
ગત રોજ ભર બપોરે પાંચબત્તી નજીકની રિલિફ ટોકીઝ સામે લૂંટનો ભોગ બનનાર તિલક ગુપ્તા પાસેથી રૂ. બે હજાર રોકડા તેમજ એમ.આઇ. કંપનીનો મોબાઈલ મળી કુલ રૂ. પાંચ હજારની મત્તાની લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ ડી.પી. ઉનડકટેએ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતાં ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓ કે જેમાં શૈલેષ અરવિંદ વસાવા વિજય સોમાભાઇ વસાવા દિવ્યેશ અનિલ વસાવા, તમામ રહે. વસંત મિલની ચાલની અટક કરી હતી. તેમજ લૂંટના બનાવમાં ગયેલ રૂ. બે હજાર રોકડા તેમજ એમ.આઇ. કંપનીનો મોબાઈલ કિં.રૂ. ત્રણ હજાર મળી કુલ રૂ. પાંચ હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથધરી છે.