ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રવિવારે સવારે ઠંડીના કારણે શરૂઆતના કલાકોમાં મતદાન ઠંડુ રહ્યું હતું.જોકે દિવસ ચઢતા જ મતદારો મતદાન મથકે ઉમટવાના શરૂ થઈ ગયા હતા. જિલ્લામાં બે-ત્રણ ઘટનાઓ અને છમકલાંને બાદ કરતાં એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ ધપી હતી.
ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.76 ટકા મતદાન થયું છે. ચૂંટણીને લઇ 878 મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. જિલ્લામાં સરપંચ પદ માટે 1176 ઉમેદવારો અને સભ્ય પદ માટે 6987 ઉમેદવારો મેદાને છે.
ચૂંટણી પ્રક્રિયા માટે ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા 153 બસોની ફાળવણી કરાઈ છે. આજે યોજાનારી ચૂંટણીમાં 7.24 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે માટે સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ મળી 15 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ કરાઇ રહ્યો છે.
આલિયાબેટ પર આઝાદી બાદ પ્રથમવાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન મથક ઉભું કરાયું હતું. જેને લઈ સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી, જેમને હવે 160 કિમી ફરવાની હાલાકી ભોગવવી નહિ પડે.
અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ગામના રિક્ષા ચાલકો દ્વારા વિધાનસભા, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં મતદારોને તેઓના ઘરથી મતદાન મથક સુધી પહોંચાડી સેવા આપવામાં આવે છે. ત્યારે આજે રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ તમામ રિક્ષા ચાલકોએ લોકશાહીના પર્વના દિવસે ગામના વિવિધ વિસ્તારોમાંથી મતદારોને મતદાન મથક ખાતે લઈ જવા અને મૂકી જવાની અનોખી સેવા આપવામાં આવી હતી.