સાયબર ગઠિયાઓ હવે જાણીતી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનના નામે લોકોને નિશાન બનાવી રહ્યા છે. અંકલેશ્વરના અંદાડા વિસ્તારમાં રહેતા અને પાનોલી GIDCની PI કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા 51 વર્ષીય વ્યક્તિ સાથે ફોન-પેના નામે સાયબર ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે.ઠગોએ વોટ્સએપ પર શંકાસ્પદ લિંક મોકલી બે અલગ-અલગ બેંક ખાતાંમાંથી કુલ રૂ. 95 હજારની રકમ ઉપાડી લેતાં ચકચાર મચી છે.

ફરિયાદ મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાના સંતોષકુમાર હરિદ્વાર પાંડે છેલ્લા છ વર્ષથી અંકલેશ્વરના અંદાડા સ્થિત ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે અને વર્ષ 2010થી પાનોલી GIDCની PI કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે.

ગત 19 નવેમ્બરના રોજ તેમના વોટ્સએપ પર ફોન-પેના પ્રોફાઇલ આઇકન જેવો દેખાતો મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રાન્ઝેક્શન મેસેજ ચાલુ રાખવા માટે લિંક ખોલી રૂ.10 જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી. મેસેજમાં YES અને NOના વિકલ્પ હતા. તેમણે NO પર ક્લિક કર્યા બાદ Continue વિકલ્પ પસંદ કર્યો હતો.

ત્યારબાદ 20 નવેમ્બરના રોજ શાકભાજી ખરીદતી વખતે રૂ.100નું પેમેન્ટ કરવા જતાં ટ્રાન્ઝેક્શન થયું નહોતું. બેલેન્સ તપાસતાં યુનિયન બેંકના ખાતામાં રૂ.90,043માંથી માત્ર રૂ.43 અને એક્સિસ બેંકના ખાતામાં રૂ.5,446માંથી માત્ર રૂ.446 બાકી હોવાનું જણાયું હતું. આમ, બંને ખાતાંમાંથી કુલ રૂ.95,000ની રકમ ઉપડી ગઈ હોવાનું સામે આવ્યું હતું.

બનાવ અંગે તેમણે તાત્કાલિક 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બંને બેંકોમાં જઈ તપાસ કરતાં પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here