જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસના સંચાલકે તેના ત્રણ મળતીયા સાથે મળી ફ્લિપકાર્ટ પરથી AMD કોમ્પ્યુટરના 96 પ્રોસેસરો મંગાવી પાર્સલોમાંથી કાઢી લઈ કંપની સાથે રૂ. 31.55 લાખની ઠગાઇ આચરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે. જેનો હેડ આદિલ મહંમદ શેખ હતો. સુરતથી ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી આવતા પાર્સલ સુરત ઇ-કોમ દ્વારા જંબુસર સેન્ટર ઉપર મોકલાતા હતા. છેલ્લા 4થી 5 મહિનાથી ફ્લિપકાર્ટના પાર્સલો ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબરના કારણે રિટર્ન થતા હતા. જેથી ઇ-કોમના સ્ટેટ હેડ એલપ્પા કોકીટકર, રિજનલ મેનેજર સુવિર નયર અને ઓફિસર અંકિત શ્રીવાસ્તવ જંબુસર સેન્ટર પર ગયા હતા. જેમાં તપાસમાં સેન્ટર હેડ આદિલ શેખ સુરતના તેના બે મિત્ર સુરેશ મારવાડી, કાર્તિક અને ઝાડેશ્વરના જયકુમાર રાણા સાથે મળી રૂપિયા કમાવવા પાર્સલોમાંથી પ્રોસેસરો કાઢી લેતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

બે મહિનામાં જ આ ટોળકીએ AMDના 96 રાઈઝેન પ્રોસેસર મંગાવી પાર્સલોમાંથી કાઢી લીધા હતા. જે પાર્સલો રીટેપ કરી ફરી કંપનીમાં ખાલી મોકલી આપ્યા હતા. ઇ-કોમ કંપનીના ઓફિસરે જંબુસર પોલીસ મથકે 96 પ્રોસેસરો કાઢી લેવા અંગે રૂ. 31.55 લાખની ઠગાઈની ફરિયાદ સેન્ટર હેડ અને તેના 3 મળતીયાઓ સામે નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here