ભરૂચ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જૂની સિવિલ કોર્ટ પારસીવાડ રોડ પરથી બે આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 9.64 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.58,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.જેના ભાગરૂપે 23 ઓગસ્ટ 2026ના રોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ડામોર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલી માહિતીના આધારે જૂની સિવિલ કોર્ટ પારસીવાડ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સાહિલ જાકિર મન્સુરી (ઉં.વ.23, રહે. સોનેરી મહેલ, ભરૂચ) પાસેથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો.પોલીસે તેની પાસેથી જપ્ત કરેલો શંકાસ્પદ પદાર્થને એફએસએલ ગાંધીનગર ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.
એફએસએલના અહેવાલમાં નમૂનાના પદાર્થમાં સિન્થેટીક કેથીનોન વર્ગના મેફેડ્રોન હાઈડ્રોક્લોરાઈડની હાજરી હોવાનું સામે આવ્યું હતું. આ અહેવાલના આધારે પોલીસે સાહિલ મન્સુરી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.તપાસ દરમિયાન સાહિલ મન્સુરીએ આ જથ્થો સહેજાદ સરફરાજ વેલ્ડીંગવાળા, રહે.લાલબજાર, હાજીપીર કીરમાણી, સોનેરી મહેલ,ભરૂચ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી પોલીસે સહેજાદ વેલ્ડીંગવાળાને પણ આરોપી તરીકે ઝડપી લીધો હતો.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે એનડીપીએસ એક્ટની કલમ 8(C), 22(B) અને 29 મુજબ ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે આરોપી પાસેથી 9.64 ગ્રામ એમડી (મેફેડ્રોન),કિંમત રૂ.28,920 તથા વીવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.30,000, મળી કુલ રૂ.58,920 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ગુનાની વધુ તપાસ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પોલીસ હવે એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ તપાસ કરી રહી છે.





