ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલી રહેતી વૃધ્ધાને માર મારી બંધક બનાવી બે લૂંટારુઓએ રોકડા અને સોનાના ઘરેણાં મળી બે લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
ભરૂચ જીલ્લામાં શિયાળો શરૂની ઠંડી શરૂ થતાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ભરુચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં લૂંટની ઘટના બનવા પામી છે.નવું બની રહેલ મકાનની બાજુમાં એકલા રહેતા રમીલાબેન પટેલના ઘરે મધરાતે મકાનના વાડાના ભાગે આવેલ કાચી દીવાલમાં બાકોરું પાડી બે ઇસમો મકાનમાં પ્રવેશ્યા હતા અને મકાનમાં ચોરી કરી રહ્યા હતા.
તે વેળા વૃધ્ધ મહિલા જાગી જતાં તેણીએ બુમરાણ મચાવવાની કોશિશ કરે તે પહેલા બંને ઇસમોએ મહિલાને બંધક બનાવી તેને કટર જેવા હથિયાર વડે ઘા કરી માર માર્યો હતો અને 5 હજાર રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 2 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે વૃધ્ધાના સંબંધી શૈલેષભાઈ પટેલે સી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ થકી લૂંટારુઓના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.