અંકલેશ્વર બોરભાઠા ગામ પાસે આવેલ લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની એક જ્વેલર્સ ની દુકાનમાંથી ઘરેણા સહિત તીજોરી પણ ઉઠાવી તસ્કરો પલાયન થયા હોવાની ઘટના બનવા પામી છે.જેમાં આશરે બે લાખથી વધુના ચાંદીના ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે.
શિયાળાની શરૂઆત થતા જ તસ્કરોની ટોળકીઓ સક્રિય બની છે. અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમિયાન ચોરીના બનાવો બનવાની ઘટના વધી રહી છે, ત્યારે અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક્માં આવેલ તક્ષશિલા સ્કૂલની સામેના લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં શિવ જ્વેલર્સ નામની દુકાનમાં ગત તારીખ1/11/2023 ના રોજ વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ અજાણ્યા તસ્કરો શિવ જ્વેલર્સની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશી આશરે બે લાખ રૂપિયાના ચાંદીના દાગીના સાથે તીજોરી પણ ઊંચકી જઈ પલાયન થઈ ગયા હતા.પોતે પકડાઇ જવાની બીકે દુકાનમાં લાગેલા સીસીટીવી પણ તોડી નાખી તેને પણ પોતાની સાથે લઈ ગયા હતા.આ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને કરાતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ટીમ ડોગ સ્કોર્ડ સાથે દોડી આવી હતી અને માલિક શિવાજીભાઇની ફરીયાદ નોંધી તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરી છે.