ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધનંજયસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું હતું કે “સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” . આ માહિતી સાંભળી મૂંઝવણ સાથે ધનંજયસિંહે પોતાના ઉપરી અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ પાસે પહોંચ્યા હતા.
પોલીસે વાતને હળવાશમાં ન લઈ તળાવમાં સર્ચ ઓપરેશનની તૈયારીઓ શરૂ કરાઈ હતી.જેમાં તાલુકાના મામલતદાર, અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ , ક્રાઇમ બ્રાન્ચ અધિકારી ઉત્સવ બારોટ અને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર એચ વાળાની ઉપસ્થિતિમાં ટિમ તળાવમાં ઉતારવામાં આવી હતી. એકાદ કલાકની જહેમત બાદ તળાવના તળિયામાંથી એક કોથળાનું પોટલું મળી આવ્યું હતુ જેમાં મોટો પથ્થર પણ હતો.
પોટલું બહાર કાઢવામાં આવતા હાજર સૌ કોઈ ચોકી ગયા હતા. આ પોટલામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી જેને પથ્થર બાંધી ફેંકી દેવાઈ હતી. પોલીસે આ યુવતી કોણ છે તેની હકીકત મેળવી બે લોકોની અટકાયત પણ કરી છે જોકે હજુ આ મામલે સત્તાવાર કોઈ માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.આધારભૂત સૂત્રો અનુસાર મામલો પ્રેમ પ્રકરણનો હોવાના સગડ મળી રહયા છે. યુવતીની ઉંમર વિશે સ્પષ્ટતા ન હોવાથી હાલ ઓળખની માહિતી જાહેર કરવામાં આવી નથી.ઘટનાના મૂળ તરફ જવામાં આવે તો મૃતકે યુવતી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી જે લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેતી હતી. પ્રેમીના મોટાભાઈને આ પસંદ ન હતું અને તેને આ યુગલનો નિર્ણય બદનામી સમાન લાગતો હતો.ભાઈને યુવતીથી દૂર કરવા આખરે મોટાભાઈએ યુવતીની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. આજથી લગભગ 22 થી 23 દિવસ પૂર્વે યુવતીની હત્યા કરી નાખી. લાશનું પોટલું બનાવી તમે પથ્થર બાંધી લાશ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. બનાવ સંદર્ભે પોલીસે તબીબી તપાસ સહિતના આધારે ઘટનાના મૂળ સુધી ઉતરવાની શરૂઆત કરી છે.
અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આ મામલે જણાવ્યું હતું કે આ મહિલાને 20થી 22 દિવસ પહેલા મહિલાની હત્યા કરાઈ છે. સ્પષ્ટ ઓળખ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. કરપીણ કત્ય કરી લાશ કોથળમાં બાંધી ફેંકી દેવાઈ હતી. અને આ લાશને ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલાશે.આ ઘટનામાં પોલીસ દ્વારા જાહેર થનારી સત્તાવાર વિગતોનો ઇંતેજાર કરાઈ રહ્યો છે.