અંકલેશ્વરના ઉટીયાદરા ગામ ખાતે તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની હત્યા કરી ત્યજી દીધેલ મૃતદેહ મળી આવ્યો હતો.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાલી ગામ ખાતે રહેતા 20 વર્ષીય અભય નટવર પરમાર ગત 7 મી ફેબ્રુઆરી ની સાંજે 7:30 વાગ્યા થી ધરે થી નીકળ્યા બાદ ગુમ થઇ ગયો હતો. પરિવાર અભય ને શોધી રહ્યો હતો દરમિયાન અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ ખાતે પસાર થતી નહેર માં બુધવાર ના બપોરે 1:30 કલાકે નહેર પાસે આવેલા ખેતર માલિક અશ્વિન પટેલ એ અંકલેશ્વર પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.
યુવકના માથા તેમજ કપાળમાં તીક્ષણ હથિયાર વડે ઘા કરી કૂવામાં ફેંકી દીધેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવાનના વર્ણન અને ફોટો સાથે તપાસ શરુ કરતા યુવાન તરસાલીનો અભય નટવર પરમાર હોવાનું સામે આવ્યું હતું મૃતક અભય ની માતા રતનબેન પરમાર ની ફરિયાદ આધારે અજાણ્યા ઈસમો સામે અગમ્ય કારણોસર હત્યાનો ગુનો દાખલ કરી પી.એસ.આઈ. એન.એચ. વાઢેર એ વધુ તપાસ શરુ કરી હતી.પોલીસે ફરાર થઇ ગયેલાં હત્યારાઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી દીધી છે.
અભય ઉર્ફે અભી નટવર પરમાર સામે ઉટીયાદરા ગામ નજીક રોડ પર કોસંબાના યુવાનને લૂંટી લેવાનો ગુનો કોસંબા પોલીસ મથકે નોંધાયો હતો તેમજ અન્ય એક લૂંટ સહીત અનેક ગુના માં તેની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે તેની હત્યા તેના જ સાથીદાર દ્વારા કરાઈ હોવાની આશંકા પણ સેવાઇ રહી છે.