ભરૂચના ઝાડેશ્વરના તુલસીધામ શાકમાર્કેટ મુદ્દે શાકભાજી વિક્રેતાઓ અને નવી જગ્યાના વિરોધમાં સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ઝાડેશ્વરના તુલસીધામ ખાતે ભરાતા શાકમાર્કેટને લઈ સ્થાનિકોએ ટ્રાફિક, ગંદકી અને અકસ્માત સાથે હરાયા ઢોરની સમસ્યાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા શાકભાજીવાળાઓને નોટિસો અપાઈ હતી.આખરે આજે સાંજે પોલીસને સાથે રાખી શાકમાર્કેટ ઉપર બુલ્ડોઝર ફેરવાયું હતું.
વિવાદ વકરતાં પંચાયતે તુલસીધામમાંથી શાકમાર્કેટ ખસેડી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી. જો કે તેની સામે જગ્યા નાની હોઇ 600 શાકભાજી વાળાઓએ વિરોધ નોંધાવી આજે સોમવારે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે તુલસીધામ શાકમાર્કેટનું સ્થળ નહિ બદલવવા આજીજી કરી હતી.તો બીજી તરફ નવી વૈકલ્પિક જગ્યા સામે ત્યાંના 10થી વધુ સોસાયટીના રહીશોએ સ્કૂલો, પ્લે ગ્રુપ, જવા આવવાના માર્ગ પર ટ્રાફિક, રખડતા ઢોર, ગંદકી અને અકસ્માતને લઈ પોતાનો વિરોધ કલેક્ટર સમક્ષ વ્યક્ત કર્યો હતો. હવે તુલસીધામ શાક માર્કેટનો ઘેરો બનતા વિવાદ સાથે આજે મોડી સાંજે પોલીસ પ્રોટેકશન સાથે શાક માર્કેટ પર બુલ્ડોઝર ફેરવાયું હતું.