ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપની પ્રાઇવેટ લીમીટેડમાં ગત મોડી રાતે થયેલ બ્લાસ્ટ અને આગના કારણે ૬ કામ્દારોનું મૃત્યુ થતાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કંપનીના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી પગલાં લેવા ભરૂચ ડી.એસ.પીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલસિંહ રણાએ આપેલ લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, આજે વહેલી સવારે દહેજ ફેસ-૩માં આવેલ API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગેલ હોય, આ આગના ઘટનામાં સ્થળ પર જ ગંભીર રીતે દાઝી જતાં 6 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. વળી આ કંપનીમાં સેફટી વિભાગની પણ પૂરતા પ્રમાણમા જોગવાઈ ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે કામદારોના પરિવારો પર ઓચીંતુ સંકટ આવી ગયું છે.
આથી તાત્કાલિક ધોરણે કંપનીના જવાબદારો સેફટી મેનેજર, ફેકટરી મેનેજર, પ્રેસિડન્ટ, જનરલ મેનેજર, એચ.આર પ્લાન્ટ મેનેજર તેમજ પ્લાન્ટ ઇન્ચાર્જ સમક્ષ વિવિધ ઇ.પી.કો કલમો મુજબની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.