નેત્રંગ ગામમાં રેલવેની હદમાં વર્ષોથી બનેલા ૩૫૦ જેટલા ઘર અને દુકાન ઉપર રેલવે તંત્રએ બુલડોઝર ફેરવી દેતા આશરે ૩૦૦ જેટલા પરીવાર તપતી ગરમીમાં ઘરવિહોણા થઈ ગયા હતા. તપતી ગરમીમાં ઘર વિહોણા થઇ ગયેલા અસરગ્રસ્ત પરિવારોની હાલત કફોડી બની છે.
રેલવે તંત્રની ડીમોલેશનની કાર્યવાહી બાદ સ્થાનિકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી હતી. છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી, જેને પગલે બેઘર થયેલા પરિવારોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.
નેત્રંગ ગામે મુખ્ય બજારમાં રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલ ડીમોલેશનની કાર્યવાહી બાદ નિરાધાર બનેલ લોકોએ આજરોજ ગરીબીની નનામી કાઢી હતી, જે ઉગ્ર સ્ત્રોચ્ચાર અને ન્યાયની માંગ સાથે કલેકટર કચેરીની આજુબાજુ ફેરવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચ કલેકટર કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર કરી કચેરી ગજવી હતી. તંત્ર સામે અસરગ્રસ્તોએ છાજીયા લીધા હતા અને ન્યાયની માંગ કરી કલેકટરને રજુઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું.