-
UPના મૌલાનાનું ષડયંત્ર આવ્યું સામે
અમદાવાદ ગ્રામ્યમાં કિશન ભરવાડની ખુલ્લેઆમ હત્યાની ઘટના બની, ત્યારબાદ વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના તમામ આરોપીઓને સજા પણ સંભળાવી. ત્યારે રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વાહન ચેકિંગ દરમિયાન ગાંધીનગરની ચિલોડા પોલીસ દ્વારા એક બસમાંથી 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં તેમની વધુ તપાસ કરતા 4 જેટલી પિસ્તોલ તેમની પાસેથી કબજે કરવામાં આવી છે.
આ બાબતે વધુ તપાસ કરતા અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આંગણીયા પેઢી પર લૂંટ ચલાવવાનું આયોજન હતું. સાથે જ કોન્ટ્રાક્ટ અથવા તો ટાર્ગેટ કિલિંગ ની શંકા પોલીસને થઈ રહી છે. સમગ્ર ઘટનાક્રમ બાબતે ગાંધીનગર SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક આંગણીયા પેઢી પર 2 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને બસ સ્ટેન્ડ પાસે આંગડિયા પેઢીના લોકોના રૂપિયા અને ભારે મુદ્દામાલ લૂંટવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી જ તેઓ અમદાવાદ આવી રહ્યા હતા, જ્યારે એક આરોપી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો અને બીજો આરોપી અમદાવાદના જુહાપુરા વિસ્તારનો છે.
ગાંધીનગર SP મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશનો એક મૌલાના 2 મહિના પહેલા ગુજરાતમાં આવીને અમદાવાદ ગ્રામ્યના અનેક વિસ્તારમાં ફર્યા હતા અને મદરેસા તથા સમાજના નામે 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે ઉઘરાણીના રૂપિયા 3 લાખનો ઉપયોગ રિવોલ્વર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો અને આ રિવોલ્વરનો ઉપયોગ અમદાવાદની આંગણીયા પેઢીને લૂંટવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણીયા પેઢીને લૂંટ્યા બાદ તેના રૂપિયા ક્યાં વાપરવા તે હજી સુધી સામે આવ્યું નથી.તમામ 4 આરોપીઓના ગાંધીનગર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મૌલાનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.