• જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી અર્પી

જર્મનીનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપતા  મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે, મે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જોયુ છે પણ સરદાર સાહેબની આટલી વિશાળ પ્રતિમા જોઇને હુ મંત્રમુગ્ધ થયો છું. બીજી વાર પણ જરૂર આવીશ અને જર્મનીના સાંસદોને પણ સાથે લાવીશ.તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાનિય આદિવાસી સમાજને પણ સીધી રોજગારી મળી છે. જે ભારતના પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે.

જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો.

તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જે બાદ તેમણે પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક વિભાગ દ્વારા ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબેએ શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here