- કન્ટેનરમાં રહેલા ટાયર, ટ્યુબ સહિત રૂપિયા 13 લાખના મુદ્દામાલની ચોરી
અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલી સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી એક કન્ટેનર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જે ટાયર, ટ્યુબ સહિત 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરેલ મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી. ત્યારે ટ્રક ચાલક અને ક્લીનરે તમામ જથ્થો સગેવગે કર્યો હોવાની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
તારીખ-25મી જાન્યુઆરીના રોજ યુપીના મોઉઆજમાં રહેતો ટ્રક ચાલક રમેશલાલ રમલાલ યાદવ અને કંડકટર બોમ્બે હરિયાણા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર-એમ.એચ.43.બી.જી.2278 લઈ તમિલનાડુના પેરામ્બૂરમાં આવેલા એમ.આર.એફ કંપનીના ત્રિચી પ્લાન્ટ પરથી ટાયર, ટ્યુબ અને લંગોટ મળી 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તમિલનાડુથી અમદાવાદ જવા નીકળ્યા હતા.
દરમિયાન ગત તારીખ-31મી જાન્યુઆરીના રોજ ટ્રકની જી.પી.એસ ટ્રેક કરતાં તે બલેશ્વર ખાતે આવેલી સહયોગ હોટલમાં હોવા સાથે ચાલકનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. જેની તપાસ કરતાં કામરેજ ટોલનાકા પાસે ગત તારીખ-30મી જાન્યુઆરીએ ટ્રક પસાર થઈ હતી. જે ટ્રક અંકલેશ્વર હાઇવે પસાર નહીં કર્યો હોવાનું જણાતા ટ્રાન્સપોર્ટના કર્મચારીને ટ્રક અંકલેશ્વરની સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાં રહેલા ટાયર, ટ્યુબ અને લંગોટ મળી 10.13 લાખથી વધુનો મુદ્દામાલનો તમામ સામાન સગેવગે થયો હોવાનું માલૂમ પડ્યું હતું. જેને લઈ ચોરી અંગે શહેર પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.