નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાં પતિ અને સાસુ સાથેના પારિવારિક મતભેદને પગલે એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી. મહિલાની રજૂઆત મુજબ, પિયરથી પરત આવ્યા બાદ તેને સાસરીમાં સાથે રાખવા અંગે પતિ અને સાસુ સાથે મતભેદ થતાં પારિવારિક વિવાદ ઊભો થયો હતો.બીજી તરફ, પતિ અને સાસુએ ઘરકામ, પરસ્પર સમજણ તથા વારંવાર પિયર જવા જેવી બાબતોને લઈને મતભેદ હોવાની રજૂઆત કરી હતી.


માહિતી મળતાં જ 181 અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની સાથે તેના પતિ તથા સાસુનું કાઉન્સેલિંગ કરીને સમગ્ર પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો.

કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેના લગ્નને આશરે પાંચ મહિના થયા છે. તેના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે તે ઘરકામ સંભાળે છે. પિયરમાં શ્રાદ્ધ પ્રસંગ હોવાથી પતિની સંમતિથી તે થોડા દિવસ માટે પિયર ગઈ હતી. આશરે એક અઠવાડિયા બાદ પિતાની સાથે સાસરીમાં પરત ફરતાં પતિ અને સાસુ સાથે મતભેદ થતાં વિવાદ સર્જાયો હતો.

181 અભયમ ટીમે બંને પક્ષની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી પારિવારિક વિવાદનાં કારણો સમજ્યાં હતાં. ત્યારબાદ પતિ, પત્ની અને સાસુનું કાઉન્સેલિંગ કરીને પરસ્પર સંવાદ, વિશ્વાસ, સહકાર અને એકબીજાની લાગણીઓનું સન્માન જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટીમે સમજાવ્યું કે પારિવારિક જીવનમાં મતભેદ થવા સ્વાભાવિક છે, પરંતુ આવા મતભેદોનો ઉકેલ શાંતિપૂર્ણ વાતચીત અને પરસ્પર સમજણથી લાવવો જોઈએ. કોઈપણ વ્યક્તિ સાથે અપમાનજનક વર્તન, ધમકી કે માનસિક દબાણ ઊભું કરવું યોગ્ય નથી. જરૂરિયાત ઊભી થાય ત્યારે કાયદાકીય સહાય મેળવવાના અધિકાર અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

181 અભયમ ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ પતિ અને સાસુ મહિલાને સાસરીમાં સાથે રાખવા સંમત થયાં હતાં. મહિલાએ પણ સાસરીમાં રહીને લગ્નજીવન આગળ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્રણેયને પરસ્પર સમજણ, સહકાર અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અંગે સલાહ આપવામાં આવી હતી.આમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સમયસરની મદદ, કાઉન્સેલિંગ અને માર્ગદર્શનથી પતિ, પત્ની અને સાસુ વચ્ચેના પારિવારિક વિવાદનું સુખદ નિરાકરણ આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here