ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. 35 વર્ષીય શાંતિલાલ વસાવાની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ ICUમાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ શાંતિલાલ વસાવા લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતા હોવાનું કહેવાય છે. આ માનસિક તણાવને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.

શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ થતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો હતો અને તેઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી પહોંચ્યા હતા. હાલ શાંતિલાલ વસાવા તબીબોની દેખરેખ હેઠળ ICUમાં સારવાર લઈ રહ્યા છે.
આ સમગ્ર ઘટના બાબતે નિઝર વિભાગના નાયાબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાના ભાઈ શાંતિલાલ વસાવાની જાણવાજોગ દાખલ કરી હતી, શરૂઆતમાં અગમ્ય કારણો સર જાણવા મળ્યું હતું. જો કે પ્રાથમિક તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ હતો, જેને કારણે આ પગલું ભર્યું છે, આગળની તપાસ ચાલુ છે.





