જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ગુજરાતભરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીને સમાજના જરૂરિયાતમંદ વર્ગો સુધી સેવા પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવે છે. આ સેવાભાવી અભિગમને અનુરૂપ દયાદરા કન્યા શાળામાં કરવામાં આવેલી આ પહેલને પણ બિરદાવવામાં આવી હતી.
જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડીને બીજાના ચહેરા પર સ્મિત લાવવું એ સાચા સેવાભાવની ઓળખ છે. ભરૂચ જિલ્લાના દયાદરા ગામે નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન આવું જ એક પ્રેરણાદાયી સેવાકાર્ય જોવા મળ્યું હતું. જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોજેક્ટ મેનેજર મીનાબેન બેદી અને પૂજાબેન બેદીએ પોતાના જન્મદિવસ નિમિત્તે દયાદરા પ્રાથમિક કન્યા શાળાની 200થી વધુ દીકરીઓને નાસ્તો કરવા માટે સ્ટીલની ડિશો ભેટ આપી હતી. આ પહેલ દ્વારા તેમણે જન્મદિવસની ઉજવણીને સામાજિક જવાબદારી અને સેવાભાવ સાથે જોડવાનો સુંદર સંદેશ આપ્યો હતો.દયાદરા પ્રાથમિક કન્યા શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સેવા, સ્નેહ અને માનવતાની ભાવના જોવા મળી હતી. દીકરીઓના રોજિંદા ઉપયોગમાં આવે તેવી સ્ટીલની ડિશોનું વિતરણ કરીને દીકરીઓ પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો હતો. નવરાત્રીના પવિત્ર દિવસોમાં યોજાયેલા આ સેવાકાર્યથી દીકરીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન શાળાનાં આચાર્ય રેહાનાબેન પટેલ અને ગૌતમીબેન મહીડા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા સંચાલકો દ્વારા આ સેવાકાર્ય બદલ જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જીગ્નાશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દીકરીઓને ઉપયોગી ભેટ અર્પણ કરવાના આ કાર્યને બિરદાવી સેવાભાવ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો.બીજાના જીવનમાં ખુશી વહેંચવી અને જરૂરિયાતમંદોને ઉપયોગી થવું એ જ સાચી સેવાની ભાવના છે. દીકરીઓના ચહેરા પર સ્મિત લાવતી આ પહેલ સમાજમાં સેવાભાવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.





