નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત સેંટ ઝેવિયર્સ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલની અંડર-૧૪ બહેનોની કબડ્ડી ટીમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ ટીમની ચાર ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતાં શાળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ ૧૪થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન અમરેલી ખાતે શાળાકીય અંડર-૧૪ બહેનોની રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સેંટ ઝેવિયર્સ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, ડેડિયાપાડાની ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય, ટીમવર્ક અને મક્કમ મનોબળનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.આ સ્પર્ધામાં નોંધપાત્ર પ્રદર્શનના આધારે શાળાની કુલ ચાર ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ ડેડિયાપાડા સહિત નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને રમત પ્રત્યેની લગનથી વિદ્યાર્થીઓ કેવી રીતે સફળતા મેળવી શકે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

ખેલાડીઓની આ સફળતા પાછળ કોચ શ્રી જોસેફ ગામીતનું માર્ગદર્શન, ખેલાડીઓની સખત મહેનત અને ટીમની એકતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.ખેલાડીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાનાં આચાર્યશ્રી સિસ્ટર જોયસ રાની, મેનેજરશ્રી ફાધર રોબર્ટ તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા ખેલાડીઓ અને કોચ શ્રી જોસેફ ગામીતને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલી ચારેય ખેલાડીઓ આગામી સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.ડેડિયાપાડાની દીકરીઓની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે રમતગમતના ક્ષેત્રે પણ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે, જે સમગ્ર વિસ્તાર માટે આનંદ અને ગૌરવની બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here