ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી ભારે ટ્રાફિકજામ થવાના કારણે અનેક વાહનોનું ભારણ ભરૂચના આંતરીક માર્ગો ઉપર વધવા પામ્યુ છે. જેને પગલે ભરૂચના ફાટાતળાવ, ઢાલ થી મદીના હોટલ સુધીના સાંકડા માર્ગ ને પહોળો કરવા વિપક્ષ દ્વારા સત્તાપક્ષને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.
જે વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય તેમજ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો અને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી તેમજ રોડ પર અડચણ રૂપ વીજપોલને પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ઢાળથી મોહમંદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે ત્યાં તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કારપેટ કરવા સાથે આ માર્ગો દુરસ્ત કરવાની કામગીરી કરવામાં વિલંબ થઇ રહયો છે. જેથી આજ રોજ પુન: નગરપાલિકા વિપક્ષ ના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી જનહિતમાં નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને તાકિદ કરવામાં આવી હતી.