ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગુરૂવારે સાંજે શક્તિનાથ સર્કલ ખાતે નારી શક્તિનું અપમાન કરનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પૂતળું ફૂંકી બિહારમાંથી બહાર ફેંકવાના સુત્રોચ્ચારો કરાયા હતા.
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા વિધાનસભા ગૃહમાં મહિલા વિરોધી અપમાનજનક શબ્દો નિવેદન કરતા સમગ્ર ભારતની મહિલાઓ રોષે ભરાય છે. જેના વિરોધમાં ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લાબેન દુધવાલાની આગેવાનીમાં નીતીશ કુમારના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.નારી શક્તિના અપમાન અને મુખ્યમંત્રીની ગરીમાને પણ લજાવતાં નીતીશકુમારના નિવેદન સામે બિહારમાંથી તેમની સરકારને બહાર ફેકવાના સહિતના પ્લેકાર્ડ સાથે હુરિયો બોલાવવામાં આવ્યો હતો. તાત્કાલિક અસરથી બિહારના સી.એમ. પદેથી તેઓ રાજીનામુ આપે માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રફુલ્લાબેન સાથે સંગઠન ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, પ્રતિક્ષાબેન પરમાર, ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મહિલા મોરચા, પાલિકા, તાલુકા પંચાયત, સંગઠનના અન્ય મહિલા સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.