વરસાદ પડે એટલે ગુજરાતના આ ધોધનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું!(VIDEO)

0
215

વરસાદની સિઝન આવે એટલે પ્રવાસીઓ વિવિધ ધોધ જોવા ઉમટી પડે છે. ત્યારે નેત્રંગમાં આવેલા ધાણીખૂટનો ધારિયા ધોધ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નર્મદા અને કરજણ સહીત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે. ભરૂચના વાલિયામાં ઘાણીખૂટ નજીક આવેલો ધારીયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે. નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.

ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે. વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. નેત્રંગ તાલુકાના ઘાણીખુટ ગામે ધારીયાધોધ કરજણ નદીની સુંદરતા બેવડાવે છે. આ જગ્યા સહેલાણીઓ માટે એક પર્યટનનું નવું અને મનગમતું સ્થળ તરીકે આકાર લઈ રહ્યું છે.

આ ગામનો પૌરાણિક ઇતિહાસ પણ છે. પ્રાચીન સમયે ધાણીખુંટ ગામ ધાણીખુંટ રાજ્ય તરીકે જાણીતું હતું. કરજણ નદીના કિનારે આદિવાસી રાજા તારામહલ અને રાણી ઉમરાવણું એ ધાણીખુંટ રાજ્ય વસાવેલું હતું. આ રાજ્યનો કારભાર રાજા દ્વારા ચલાવવામાં આવતો હતો. રાજા તારામહલ બાદ, તેમના રાજકુંવરોએ ધાણીખૂટ રાજ્યનો કારભાર સંભાળ્યો હતો. આજે પણ ધાણીખુંટ વિસ્તારમાં એ સમયના પ્રાચીન અવશેષો જોવા મળે છે. અહીં પૌરાણિક અવશેષોમાં હાથીના પગલાં, બકરીના પગલાં, આરામ ખુરશી સહિતના અવશેષો જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here