વાગરાના લખીગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગામમાં આવેલી અદાણી કંપનીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં કંપનીમાં ખુલ્લામાં મુકેલાં કોલસીના જથ્થાને કારણે ચારેય તરફ કોલસીયુક્ત પાણી ભરાઇ ગયાં હતાં. કંપનીએ કોલસીયુક્ત પાણી વરસાદી કાસમાં છોડતાં નજીકમાં આવેલાં માછીવાડ વિસ્તારમાં કોલસીયુક્ત પાણી ભરાઇ આવતાં લોકોના સ્વાસ્થ્ય સામે પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે ઘટનાને લઇને સીએમ તેમજ સીપીસીબી સુધી ફરિયાદ કરવામાં આવી છે.
એક જાગૃત નાગરિક દ્વારા પીએમ,સીએમ તેમજ જીપીસીબી અને સીપીસીબીને કરાયેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, 23મી જૂલાઇએ તેમના વિસ્તારમાં ભારે વરસાદ પડેલો હોય અને અદાણી કંપનીએ ગેરકાયદેસર રીતે મોટા જથ્થામાં ખુલ્લામાં સ્ટોરેજ કરેલો કોલસો વરસાદના પાણીમાં ભેગો મળી ગયેલો છે અને કંપનીના ગેરકાયદેસરના બાંધકામને કારણે અદાણી કંપનીની કોલસીવાળું પાણી અદાણી કંપની દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવાની કોઈપણ પ્રકારની કાયદેસરની સુવિધાઓ ના હોવાને લીધે કંપનીના અંદરના વિસ્તારમાં કોલસીવાળું પાણી મોટી માત્રામાં ફેલાઈ ગયેલું છે.
આ કોલસીવાળું પાણીનો કાયદેસરની પ્રક્રિયા કરી નિકાલ કરવાની અદાણી કંપની પાસે કોઈ આયોજન કે સુવિધાઓ નહીં હોવાને કારણે અદાણી કંપનીએ આ કોલસીવાળું પાણીને નદી/દરિયામાં જતી વરસાદી પાણીની ગટર લાઈન મારફતે નદી/દરિયામાં છોડી દીધું છે.જેને લીધે અદાણી કંપની મારફતે છોડેલું કોલસીવાળું પાણી અમારા માછીવાડ વિસ્તારમાં મોટી માત્રામાં ભરાઈ ગયેલું છે અને આ કોલસીવાળું પાણી લોકોના ઘરોમાં પણ પ્રવેશી ગયેલું છે. અદાણી કંપનીના આ ગેરકાયદેસરના કૃત્યને લીધે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઉભી થયેલી છે